Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                કેમ છો? માફ કરશો કે હમણા થોડા દિવસોથી કોઈ પોસ્ટ નહોતી કારણકે હું અને મન બંને વ્યસ્ત હોવાથી બહુ ઓછો સમય મળે છે.હા તો આજે છે ૫મી જુલાઈ.આજના દિનને ખાસ તો અમદાવાદમાં આજે  NO CAR DAY તરીકે ઉજવવામાં આવનાર છે.અને અમદાવાદના સી.જી.રોડ પર આજે વાહનવ્યવહાર બંધ કરી આ રસ્તો માત્ર ચાલવા તથા વિવિધ સ્પર્ધા જેવી કે સ્કેટિંગ, સાઈકલીંગ વગેરે માટે સવારે અને સાંજે કાર્યક્રમ રાખવામાં આવેલા છે.તો આ માટે વધું માહિતી માટે નીચેના ફોટા પર ક્લીક કરી પુરા માપનો ફોટો જુઓ.

                વળી હમણા કુંવારિકાઓ ના ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની પણ શરૂઆત થઈ ગઈ છે. પોતાના મનગમતા ભરથાર મેળવવા માટે આજે પણ આ વ્રત કુમારિકાઓ ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરે છે.અને મોળું ખાઈને અલુણાં કરવાની રીત આજે પણ નિભાવે છે અને સાથે સાથે હવે તો આ તહેવાર એક ઉજવણી થઈ ગયો છ અને ખાસ તો નાની બાળાઓને નવું નવું અને સારું સારું ડ્રાયફ્રુટ અને વિવિધ મેવા ખાવા મળવાની સાથે નવા કપડાં પહેરવા મળતા હોવાથી તેઓ ઘણાં હોશથી કરે છે.અને હા આજે તો જો કે તૈયાર જ્વારા લેવાય છે પણ મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી બંને બેનની સાથે જાણે અજાણે અને કદાચ સારું મળવાની ઘેલછાએ મેં પણ આ વ્રત કરેલ અને જાગરણ પણ કરતો.ત્યારે ગૌરીવ્રતના ચારેક દિવસ પહેલાથી જ અમે કોડિયામાં વિવિધ ધાન વાવી દરેક પોતાના જ્વારા ઘરે જ ઉગાડતા અને તેની કાળજી રાખતા અને એક સ્પર્ધા પણ થતી કે કોના જ્વારા વધું લાંબા છે.આમ કદાચ ભાગ્યે જ કોઈ એવું વ્રત હશે કે જેમાં આપણે આપણી પ્રકૃતિને ન સામેલ કરી હોય ને તેની પૂજા ન કરી હોય.તો પછી આપણે આપણા મિત્રો એવા વૃક્ષો અને પ્રકૃતિની કાળજી રાખવાનું હવે કેમ ચુકી જઈએ…? અને આજે ચાલો આજે માણીએ રમેશભાઈ પારેખનું આ ગૌરી ગીત.અને હા આ ગીત કાશીનો દીકરો ફિલ્મમાં છે અને ક્ષેમુભાઈ દિવેટીયા કે જેમને આ માટે શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર મળ્યો હતો અને હાલમાં જ ૧૭મી ફેબ્રુઆરીના રોજ અવિનાશ વ્યાસએવોર્ડ પણ એનાયત થયો છે.તો આ ગીતને સુર સાથે માણવા માટે સુલભગુર્જરી ની મુલાકાત જરૂરથી લેશો.અને આપના અમુલ્ય મંતવ્ય જરૂરથી જણાવશો.

 

 

 

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૩મી એપ્રિલ.આજના દિને ઈસ ૧૫૬૪માં પ્રખ્યાત નાટ્યકાર અને લેખક વિલિયમ શેક્સપિયર નો જન્મ થયેલ અને ઈસ ૧૬૧૬મા તેમનું દિને અવસાન થયેલ તેથી યુનેસ્કો દ્વારા આજના દિનને વિશ્વ પુસ્તક દિન તરીકે મનાવવામાં આવે છે.અને વળી આમાં ઉમેરો કરી સાથે સાથે દિનને કોપીરાઈટ દિન તરીકે પણ ઉજવાય છે.તો આજના દિને આપણૅ આપણા પુસ્તક વાંચનના શોખને ફરી જાગૃત કરીએ.અને સાથે સાથે કોપીરાઈટના અધિકારને માન્ય રાખી પ્રણ લઈએ કે એક બ્લોગર કે પછી કાવ્ય કે જિંદગીના કોઈપણ ક્ષેત્રમાં બીજાએ કરેલા કામની પ્રશંસા કરી તેનો શ્રેય તેને આપીશું અને તેની મહેનત લગન લાગણીઓને આપણા નામે નહી ખપાવી દઈએ.અને જો તેને આપણા કાર્યમાં ઉપયોગ કે બ્લોગમાં સ્થાન આપીએ તો પણ જે તે કવિનું નામ જરૂર પ્રકાશિત કરીએ તથા જો કોઈ અન્ય બ્લોગ પરથી કોઈ માહિતી લીધેલ હોય તો તેનો પણ સંદર્ભ જરૂરથી આપીશું.અને માર્ગે પહેલ કરનારા અને સાચી રાહ ચીંધનારા ફન એન ગ્યાનનાં વિનયભાઈ ખત્રીને પણ ખુબ ખુબ ધન્યવાદ.અને આશા છે કે દરેક મિત્રો આમાં સાથ સહકાર આપશે.આખરે જો કોઈ આપણી કરેલ મહેનતનો જશ ખાટી જાય તો આપણને કેવું લાગે ? તો એમ જો આપણે કોઈનો હક છીનવીએ તો તેને પણ ખરાબ લાગે ને

પોસ્ટ માટે કઈ રચના મૂકું તે વિચારી રહ્યો હતો ત્યાં યાદ આવ્યું કે ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો પર રમેશ પારેખની રચના મારા પુસ્તકોની છાજલી વાંચેલી.અને પુસ્તકો વિશે આટલી ગહનતાથી કરેલ વાત માટે આજ થી સુંદર દિન બીજો કયો હોઈ શકે.??? વળી અછાંદસ કાવ્યમાં રચાયેલ પુસ્તકોનો સંવાદ, ધર્મવાદના નામે લડતા લોકોને અપાયેલ ઉચ્ચ કોટીની શીખ અને પુસ્તકોની પવિત્રતા અને મહાત્મય દર્શાવતું કાવ્ય સાચે આપને પણ આપના શ્રેષ્ઠ મિત્ર પુસ્તકો સાથે આપની મિત્રતાની દોરી અતૂટ બાંધી દેશે.તો ચાલો માણીએ રમેશ પારેખની રચના..આને આપ પણ વિષય પર આપનો મંતવ્ય જણાવશો ને…!!!

 

book-shelf

 

છાજલી પર પુસ્તકો થી જ્ઞ સુધીનાં….

દુનિયાના નકશા જેવો

મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં,

છાજલી પર પુસ્તકો‘ - એમ કહું કહું ત્યાં

છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.

તે કહે છે : તો ફરિશ્તાઓની વસ્તી છે !

ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે

અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે

- એમ બબડતું કોઇ પુસ્તક.

મારાં બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ

- એવું જાહેર કરે કોઇ ઝીણકુડી ચોપડી.

ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :

અલ્યા, અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.

ગીત - ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,

ગીત - ખૂણે બેસી આસું પાડતી નવવિધવાનાં,

ગીત - યુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,

ગીત - ભૂખથી વલવલતાં શિશુઓનાં,

ગીત - હોસ્પિટલમાં કણસતાં રુગ્ણોનાં, ગીત - માનવ્યનાં,

ગીત - માનવ્ય માટે ઝૂઝતાં ચપટીક શ્વાસોનાં,

ગીત - નિઃશ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં

અહીં ફિલસૂફોએ, ઉકેલી નાખ્યો છે કાળનો કોયડો

- એમ ધીમેકથી કહે કોઈ જર્જરિત ચોપડી -

બધાં ગ્રંથો છે સમાજની યાદદાસ્ત

- એમ કહી ટપ્પ કરતું નીચે પડે કોઈ પુસ્તક.

મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.

અહીં અક્ષર છે, ધર્મ - જે ખંડિત કરતો નથી કશું,

જે બનતો નથી કદી પશુ,

બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.

નથી ભોંકતો કોઈને છૂરો.

અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી,

તો બકરીય કરે નહીં બેં. એવું રામરાજ્ય છે !

અહીં એકે અક્ષર નથી ધર્માંધ. અહીંથી ઊગે છે સૂર્ય

જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ

ચાચા ગાલિબ એના દીવાનમાંથી,

ડોકિયું કરી પૂછે: તું કોણ ? ’

તો હોઠ બોલી ઊઠે હું મુસલમાન !

મીરાં, કબીર, તુલસી, નાનક

પૂછે તારું ક્યું થાનક, જ્ય આં તું ટેકવે તારું મસ્તક

ને ભીડ પડ્યે કોને દરવાજે ધૈ તું દસ્તક ?

તો હું ચીંધું મારા પુસ્તકની છાજલી

ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને હીંધે દિશા

પુસ્તકમાં જાય - આવે મારા ઈચાર લિસ્સા !

મારી છાજલી રામની જન્મભૂમિ નથી,

તો છે વૃંદાવન,

જ્યાં વિશ્વની તમામ સુંદરતા

ગોપી બનીને રાસ રમે

મારું અંતર એમાં ફેરફોદરડી ભમે

ધર્મનો

બે પૂઠાં વચ્ચેથી નીકળીને

બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો

તો ઉપદેશકો, હોશિયાર !

મારી છાજલી પર પુસ્તકોની કતાર,

જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર

તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને અભડાવે

બિભત્સતા મારા ખંડનાં બારણાં અભડાવે

તો બસ.

આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગા છે -

મારા પુસ્તકોની છાજલી.

મારો અભ્યાસખંડ તીર્થ છે, મારાં માંહ્યલાનું,

તમે આવો તો તમારું !

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો

ગત વર્ષે આજના દિને પ્રસિદ્ધ થયેલ રચના વિશ્વ પુસ્તક દિન”…તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી પણ જરૂરથી માણવી ગમશે.

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી માર્ચ.એટલે કે વિશ્વ વન દિવસ.ઈ.સ.૧૯૭૨થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે.વૃક્ષો આપણાં સારાં અને સાચાં મિત્રો છે.તે આપણને કેટલું બધું આપે છે.આપણો ખોરાક તેમાંથી મળે છે,તો વરસાદ લાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે,તો આપણો પ્રાણવાયું ઓક્સીજન પણ પુરો પાડે છે,અને વિવિધ ઉદ્યોગોમાં પણ તે વપરાય છે,અને આખા જીવન દરમિયાન સાથ આપતાં જીવન બાદ પણ લાકડું આપે છે જે બળતણની સાથે અંત્યેષ્ટિ માટે પણ વપરાય છે.આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથ આપતા આટલા સારાં મિત્રોને જ આજે આપણે વિસારે પાડી દીધા છે.આપણા સુખની લાહ્યમાં વનોનો વિનાશ સર્જી રહ્યાં છીએ.કહે છે તંદુરસ્ત પર્યાવરણ માટે ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં માત્ર ૧૩ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે.જો આજે નહી જાગીએ તો કદાચ આવતીકાલનું બાળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે.તો આજના દિવસે આપણે સૌ એક પ્રણ લઈએ કે વધારે નહી તો કમ સે કમ એક વૃક્ષ તો વાવીશું અને જો કોઈને વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું. અને હાં આ અગાઉ રજું કરેલ એક નવો દીકરો પરનો વિચાર મર્યાદા…..“મન વાળી રચનાની ઉપરની નોંધ પણ વાંચી આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો તેવી આશા.

અને હા મિત્રો તેમનામાં પણ સંવેદના હોય છે અને આ જુઓ અહીં તો પાંદડા અને ઝાડનો આ સંવાદ પ્રેમની કેવી અનોખી અનુભૂતિ કરાવી જાય છે.તો માણો રમેશ પારેખની આ રચના…

zad-pan-samvad

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

 

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

 

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

 

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, તો ધરતીનું વ્હાલ છે
જે સૌ સાથે આપણને સાંધતું

 

તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૮મી જાન્યુઆરી.આજે છે મારી મોટી બહેનના ભાણીયા બિજુનનો જન્મદિન.વળી આજે મહોરમ પણ છે.આપને થતું હશે કે હંમેશા હિતેશ કાંઈને કાંઈ પ્રસંગ શોધી લાવે છે.પણ મિત્રો આપણી ગુજરાત અરે આપણી સમગ્ર ભારતની પ્રજા એ ઉત્સવપ્રિય છે તેથી જ સંસ્કૃતમાં કહે છે કે भारतवर्षे उत्सवप्रिय जनाः !! સમગ્ર વિશ્વમાં એક ભારતમાં જ આટલા બધા તહેવારો ઉજવાય છે.કારણ જાણો છો કારણકે રોજ એક પ્રકારની જીવનશૈલી જીવનમાં અરુચિ લાવે છે ત્યારે થોડો સમય પોતાના લોકો સાથે પાડોશી કે સ્વજનો કે સ્નેહીજનો સાથે વીતાવવાથી એક નવી તાજગી ઉમેરાય છે.અને કદાચ આપણે મોટી ખુશીઓની લ્હાયમાં જિંદગી જીવવા અને માણવાની જ ભુલી જઈએ છીએ.અને એ પળને ગુમાવી દઈએ છીએ જે ફરી ક્યારેયા પાછી આવવાની નથી તો માણીલો એ દરેક પળને.

tajiya

હાં મહોરમ એક શહાદતનો તહેવાર છે.મુસ્લિમ બિરાદરો તેમના શહીદોની યાદમાં તાજીયા જુલુસ નિકાળે છે અને તેનો માતમ મનાવે છે.અમારા વતનમાં એક શિરસ્તો આજે પણ અકબંધ છે કે જ્યારે આ તાજિયા નિકળે છે ત્યારે તેની પરિક્રમા કરી તેના નીચેથી પસાર થાય છે અને કહેવાય છે કે આમ કરવાથી એક દુઆ મળે છે અને સર્વ રોગો જળમૂળથી નાશ પામે છે આના તથ્ય મુજબ તો એટલું જ કહીશ કે જ્યારે હું ખુબ જ નાનો હતો ત્યારે મારી મોટી બહેન અલકાબેન બહુ જ માંદી હતી અને ડૉક્ટરોએ પણ આશા છોડી દિધી હતી ત્યારે આ પ્રમાણે કરવાથી તે અઠવાડિયામાં સાજી થઈ ગઈ હતી અને જુઓ આજે એ એક હોનહાર શિક્ષક છે અને બે બાળકોની માતા પણ છે અને તેમાંના મોટા બિજુનનો આજે જન્મદિવસ છે.કદાચ આને આપ ગમે તે કહો હું પોતે અત્યારે દાક્તર હોવા છતા આજે પણ તેમાં વિશ્વાસ છે કારણકે વિજ્ઞાનથી પર પણ કંઈક તો છે જેમાં આસ્થા છે. આમ તો આ તહેવાર માતમનો છે પણ મારા માટૅ તો એ પણ આનંદનો છે.

અને હા આ બિજુન છે ને એટલો બધો તોફાની છે ને કે એના જન્મદિન પર રમેશ પારેખનું આ ગીત યાદ આવી ગયું જે અહીં રજુ કરું છું આપના પ્રતિભાવની રાહમાં.વળી આમતો રવિવારે પરીક્ષા છે પરંતુ આ પ્રસંગ આપની સાથે વાગોળવા મારી જાતને રોકી ના શક્યો.તો માણો આ બાળગીત… bijunpriyanshi

 

(ફોટામાં બિજુન અને તેની નાની બેન પ્રિયાંશી છે.)હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ

કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).