Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૧૪મી નવેમ્બર એટલે ઘણા દિવસોનો સંગમ. આજે છે વિશ્વ બ્લડપ્રેશર દિનWorld Blood pressure Day”.અને વિશ્વ ડાયાબીટીસ દિન. તથા બાળકોનો દિવસ એટલેકે ચાચા નહેરું નો જન્મદિન જેને આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ.તો સૌ બાળકોને બાલદિનની ખુબ ખુબ શુભકામનાઓ.વળી ગઈકાલે હતો કવિ શ્રી મકરંદ દવેનો જન્મદિન પણ અને આવતીકાલે છે બાળવાર્તાના નિષ્ણાત અને બાળકોના પ્રખ્યાત એવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ તો તેમને પણ જન્મદિનની ભાવભીની શુભકામનાઓ.

                અને હા મિત્રો, હમણાંથી બ્લોગ પર મળાતું નહોતું કારણકે હમણા કોલેજમાં ખુબ જ વ્યસ્તતા રહે છે, વળી ગયા અઠવાડીયે મારા પપ્પાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા હતા.જેથી મનનો વિશ્વાસ અપડેટ ન થઈ શક્યો તથા આપ મિત્રો/વડીલોના બ્લોગની મુલાકાત પણ નથી લઈ શક્યો અને આપના અમૂલ્ય પ્રતિભાવોનો પ્રત્યુત્તર પણ નથી આપી શક્યો તો તે બદલ દિલગીર છું.જો કે હવે તેમની તબિયત સુધારા પર છે.તો ચિંતા ન કરતાં.આજે પણ માત્ર મારા નાના બાળમિત્રો માટે જ સમય નિકાળીને આ બાળગીત રજું કરું છું આશા છે આપ સર્વને ગમશે.વળી અહીં મૂકેલ ચિત્ર પણ ફુલમાંથી બનાવેલી ઢીંગલીઓનું છે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઈશ…

 

 

 

 

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

 

એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં,

દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,

લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

 

એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં,

સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો,

મોતીની માળા ને બંગડી ઘડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

 

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં,

મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,

લાલ લાલ મખમલની મોજડી સીવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

 

એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં,

મમ્મી મમ્મી પાવડર લગાવી દો,

આંખે આંજળ, ગાલે લાલી લગાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

 

એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં,

માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,

મોગરા ગુલાબનો ગજરો બનાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

 

એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં,

બેન ઓ બેન એને લખતાં શિખવાડી દો,

એક બે ત્રણ ચાર ગણતા શિખવાડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

 

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…

જય શ્રીકૃષ્ણ ભૂલકાઓ,

                જી હા આજે છે સૌ ભૂલકાના લાડકા ચાંદામામાનો દિવસ.ચંદ્ર દિન એટલે કે મૂન ડે.આજથી ૪ઓ વર્ષ પહેલા ૨૦મી જુલાઈ ૧૯૬૯ના આ ઐતિહાસિક દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચાંદામામા પર પહેલી વાર પગ મુકેલો.અને આજે તો આપણું ભારતનું ચંદ્રયાન પણ તેના મિશને નીકળી ચૂકેલ છે.બની શકે કે નજીકના ભવિષ્યમાં ભૂલકાઓને વેકેશનમાં જેમ મામાને ઘેર જાય છે તેમ આ ચાંદામામાને ઘેર જવા પણ મળૅ.પણ આજે તો ચાંદામામા વાદળામાં છુપાઈને બેઠા છે તો ચાલો એમને આ ગીત દ્વારા બહાર બોલાવીએ…અને આપ પણ ચાંદામામા ને વિશ કરશો ને.વળી આવતીકાલે શ્રી ઉમાશંકર જોશીનો અને ખુબ જ સુંદર ગીતો લોકમુખે રમતા છે એવા અવિનાશ વ્યાસનો પણ જન્મદિન છે પણ આવતીકાલે વ્યસ્ત હોવાથી તેમને આજે જ જન્મદિનની શુભકામનાઓ અગાઉથી આપી દઉં છું…

 

 

ચાંદા મામા ચાંદા મામા,
વાદળમાંથી આવો સામા.

 

અમને પ્રિય કુરતા પાજામા,
તમને તો રૂપેરી જામા.

 

અમને સહુને મળવા માટે,
નોંધી લો સહુના સરનામા.

 

દાદાજીની આ ડેલીમાં,
રોજ નિહાળો ખેલ ઉધામા.

 

ટેવ તમારી અમને આપો,
હરદમ એવા, લો ન વિસામા

 

જાવાનું તો નામ ન લેશો,
નાખો ચંદા કેરા ધામા.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ધબકસામાયિકમાંથી સાભાર.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ.અક્ષયતૃતિયા. તો ચાલો આ અક્ષયતૃતીયા વિશે પણ થોડું જાણીએ.અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નામકરણમાં બે શબ્દો છે, અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય નથી થતો અને તૃતીયા એ તિથિ ક્રમ છે. અક્ષય એટલે જે વસ્તુ કે અવસ્થાનો કયારેય નાશ- ક્ષય ન થઇ શકે તે અવસ્થા. ક્ષય તેનો નથી થતો જે સર્વદા સત્ય છે. હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઇશ્વરીય તિથિ- સ્વયંસિદ્ધિ અભિજિત મુહૂર્ત છે. જે દિવસે તમામ માંગલિક કાર્યોમુહૂર્ત જોયાં સિવાય થઇ શકે છે.અક્ષય તૃતીયા એટલે જે દિવસે કરવામાં આવેલ દાન-પુણ્ય-ધાર્મિક કાર્યો-સત્કાર્યોનાં પુણ્યનો કયારેય ક્ષય ન થાય તેવી તિથિ.અતિથિ સત્યયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી રોહિણી નક્ષત્રમાં શિવની પૂજા કરી જળના ઘડાનું દાન કરનાર શિવલોકમાં પૂજાય છે.

વિષ્ણુ ધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજે વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતરણના આ દિવસે ભગવાન વિષ્ણુને ઉત્તમ સાથવો ધરાવી, અક્ષતનો હોમ કરી બ્રાહ્મણો-ભૂદેવોને ઉત્તમ સાથવો તથા પકવાન દાન કરવાથી સર્વતૃતીયાનું ફળ પ્રાપ્ત થાય છે.

અક્ષય તૃતીયાના પર્વ કાળે ઉનાળો તેના યૌવન પર હોવાથી આ પર્વે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. જગતનો તાત ખેડૂત પણ તેનું કામ-ખેતીકામ આજના દિવસથી શરૂ કરતા હોવાથી તરસ્યા લોકો અને તરસી ધરતી માટે અતિ આવશ્યક જળ હોવાથી માનવીને માટે પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણી માટે હવાડા બનાવવા પણ પુણ્યનું કાર્ય મનાય છે.

દેવાધિદેવ મહાદેવજીના પ્રિય ગોરખનાથજીનું કથન પણ છે જ કે સાધક જુનો હોય કે નવો, અનુભવી હોય કે બિનઅનુભવી કે પછી ઉચ્ચારણ માં પણ નવો સવો હોય અર્થાત્ સાધકનું ઉચ્ચારણ પણ પૂરેપૂરું શુદ્ધ ન હોય તો પણ તેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ પૂજનનું શુભફળ અવશ્ય મળે છે.

ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કòપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે શ્રદ્ધાળુ ભાવિકને ત્યાં લક્ષ્મી ટકતી ન હોય સ્થિર ન રહેતી હોય તેમણે લક્ષ્મી પ્રાપ્ત કરવા તથા લક્ષ્મીની ચંચળતા સદાકાળ માટે સ્થિર કરવા તથા દુ:ખ દરિદ્ર દૂર કરવા અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ પ્રકૃતિના વરદાન એકાંક્ષી નાળિયેરનું વિધિવત્ સ્થાપન કરી અર્થાત્ ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર (આસન) બિછાવી સ્નાન-આદિ વિધિ પશ્ચાત્ અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી આસન પર એકાંક્ષી નાળિયેર સ્થાપિત કરી તેના પર ચંદન-કંકુ પધરાવી, એકાંક્ષી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અગર પીળા રેશમી વસ્ત્ર પર મંત્ર લખી ગંગાજળ-પુષ્પ-અક્ષત તથા નૈવેધ મૂકવાં. મંત્ર લેખન પહેલાં દીપ-ધૂપ અવશ્ય લખી પ્રગટાવવાં તેમજ મંત્રની ત્રણ માળા કરી મંત્ર જાપ કરવાં…આ મુજબની પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઇ એકાંક્ષી નાળિયેર પર ૧૨૦ ગુલાબનાં ફૂલો ચઢાવવાથી આ એકાંક્ષી નાળિયેર સિદ્ધ થયું ગણાય છે. આ સિદ્ધ એકાંક્ષી નાળિયેરને નિત્ય પૂજા સ્થાને સ્થાપિત કરવું જેનું નિત્ય પૂજન કરનાર સર્વે સાધકોને લક્ષ્મી પ્રાપ્તિ-સ્થિરતા-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થવાના અનુભવે આનંદની પ્રાપ્તિ થાય છે. અલબત્ત લક્ષ્મી પ્રાપ્તિ માટે દીપાવલીના સમયે લક્ષ્મીપૂજનની પરંપરા જે ચાલી આવે છે તે તો યોગ્ય-ઉચિત જ છે પરંતુ લક્ષ્મીને સ્થિર કરવા માટે સદાકાળ માટે સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.

વળી અક્ષય તૃતીયાનો દિવસ ભારતભૂમિમાં વિવિધરૂપોએ ઉજવાય છે તો ચાલો એ વિશે પણ જાણકારી મેળવીએ.આજનો દિન સર્વત્ર પરશુરામ જયંતીના પર્વ મહોત્સવ રૂપે ભવ્ય યાત્રા સાથે ધામધૂમથી ભારે દબદબાપૂર્વક ઊજવાય છે.અને ચારધામના ઉલ્લેખનીય ધામમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શનનો માર્ગ આજે ખૂલતાની સાથે જ અક્ષય તૃતીયાએ બદ્રીનાથમાં દર્શનાર્થી ભકતોનો માનવ મહેરામણ છલકાય છે.આજે અહીં ભાવિકો શ્રદ્ધા-ભાવપૂર્વક ગંગાજળમાં સ્નાન કરી પુણ્યકાર્ય કરી કૃતાર્થ બનતાં હોવાથી અહીં બદ્રીનાથ વિસ્તારમાં આ તિથિ બદ્રીનારાયણ દર્શન તિથિ તરીકે મનાવાય છે. વર્ષમાં એક જ વાર થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયના દિવસે જ થતાં હોવાથી આ દિવસે રાષ્ટ્રભરમાંથી ભાવિકો શ્રી વિહારીજીનાં ચરણ દર્શનાર્થે વૃંદાવન પધારે છે.

અયોઘ્યામાં આજે શ્રી ઠાકુરજીની વિશેષ અર્ચના થાય છે. વ્રજમાં આજે સ્ત્રીઓ વૈશાખસ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવી તે ગ્રહણ કરાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિન્દ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિરાવરણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.

યાત્રાધામ જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય પણ આજથી જ પ્રારંભ થાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાં બીજ રોપવાનો પ્રારંભ થાય છે. આજે અહીં ભવ્ય ચંદનયાત્રાનું પણ આયોજન થાય છે. બુદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રઓનું પૂજન કરી સંપન્ન થાય છે, જે બાલિકાઓને અપરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.

આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચાલતો હલ્દીરોરીનામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરદસ્તીથી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉરચારણ કરવા ફરજ પડાય છે.સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉરચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવાય છે, જેને ત્યાં ઉખાણા તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં આજે ઘટ, વસ્ત્ર, પંખા તથા અન્ન દ્રવ્ય આદિનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાનાં પાણીની પરબ પણ શરૂ થાય છે. આજે શ્રીનાથજીમાં ભગવાનને વિશેષ કરીને મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીનાં આભરણ ધરાવાય છે અને કીર્તન પણ ગવાય છે. રાજસ્થાનમાં એવી માન્યતા પ્રચલિત છે તે મુજબ આજના દિવસે કરેલાં લગ્ન ખંડિત નથી થતાં તેથી હજારોની સંખ્યામાં બાળ-લગ્ન પણ થાય છે.

આજનો દિન એટલે તો કોઈ પણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત.અને આજે તો કહે છે કે સુવર્ણ ખરીદવા માટેનો સોનેરો દિવસ પણ અને ઘણા લોકો આજે કોઈ ચીજ-વસ્તું કે આભૂષણોની ખરીદી કરશે.પણ ચાલો આજે એક વધું સંકલ્પ કરીએ કે આજથી આપણે એક વધું સારો માણસ બનવા પ્રયત્ન કરીશુ.આડોશ-પડોશ,સગા સંબંધી કે સહકર્મીઓને બને તેટલા ઓછા નડતરરૂપ થઈશું,અને હંમેશા સત્કાર્ય કરવાની કોશિશ કરીશુ.વળી આજના દિવસે તો સદીયોથી કેટલાય લોકો લગ્નગ્રંથિથી જોડાયા હશે અથવા તો આજે જોડાવવાનાં પણ હશે.તો આવા શુભપ્રસંગે એક લગ્નગીત માણીએ તો કેવું ? પણ પછી આવા સારા પ્રસંગમાં આપણા નાના ભૂલકાઓને કેમ કરી ભૂલી જવાય વળી અત્યારે તો તેમનું વેકેશન પણ છે.તો આજે નાના-મોટાં સૌને ગમતું એક લોકગીત અહીં રજું કરું છું.પણ જ્યાં સુધી મને યાદ છે હજી આમાં છેલ્લે એક પંક્તિ ખૂટે છે જે મારી પાસેના ગીતમાં નથી પણ જેમાં કંઈક એવું આવે છે કે ચતુર કરો રે વિચાર‘… અને આ પંક્તિ પરથી આ બાળગીત જેવું લોકગીત એક આધ્યાત્મ તરફ અને જીવનનાં અકળ સત્ય તરફ લઈ જાય છે.તો આપ સર્વે મિત્રો/વડીલોને વિનંતી છે કે આપને જો આ પંક્તિની જાણ હોય તો મહેરબાની કરીને મને જણાવશો.વળી આ ગીતને સુર સાથે માણવાની મજા પણ કંઈક ઓર જ છે,.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને…..

 

akshay-trutiya

Halo ne kidibhaini…

 

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડલે બાંધ્યો રૂડો માંડવો રે,

ખજુરો પીરસે ખારેક,

ઉંદરડે ગાયા રૂડા ગીતડાં,

હે…પોપટ પીરસે પકવાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મકોડાને મોકલ્યો માળવે રે,

લેવા માળવિયો ગોળ,

મકોડો કેડેથી પાતળો,

હે…ગોળ ઉપડ્યો ના જાય,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મીનીબાઈને મોકલ્યાં ગામમાં રે,

એવા નોતરવાં ગામ,

સામે મળ્યા બે કૂતરાં,

હે..બિલાડીનાં કરડ્યાં બે કાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરાં રે,

હાથીએ બાંધી છે કટાર,

ઊંટે બાંધ્યા ગળે ઢોલકાં,

હે…ગધેડો ફૂંકે શરણાઈ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઉંદરમામા હાલ્યા એ રિસામણે રે,

બેઠા દરિયાને બેટ,

દેડકો બેઠો ડગમગે,

હે…મને કપડા પહેરાવ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

વાંસડે ચડ્યો એક વાંદરો રે,

જુએ જાનુની વાટ,

આજે તો જાન ને લૂંટવી,

હે…લેવા સર્વેના પ્રાણ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૦મી માર્ચ.આજે છે મારી નાની પણ મારાથી મોટી હિનાબહેનની પુત્રી એટલે કે મારી ભાણી દેવયાનીનો જન્મદિવસ.આજે તેને બે વર્ષ પૂર્ણ થયા.તો તેને જન્મદિવસની શુભકામનાઓ સાથે આજે એક બાળગીત ખાસ તેના માટે.

આજે એક ડુગડુગિયાવાળી પરનું બાળગીત રજું કરું છું અને આમ પણ નાના બાળકોને ડુગડુગિયાથી રમવાની બહુ મજા આવે છે, મને યાદ છે જ્યારે બાળપણમાં ક્યારેક આવી રીતે ડુગડુગિયાવાળી કે ફુગ્ગાવાળી આવતી ત્યારે અમે જીદ કરીને લેવડાવતાં.અને અહીં યોગાનુયુગ તો જુઓ કે ઉનાળૉ શરૂ થઈ ગયો છે તથા અહીં ગીતમાં હીનાબહેનનું નામ પણ આવે છે.

     પણ આ સાથે સાથે ડુગડુગિયાવાળી કવિતા સાથે સંકળાયેલ કેટલીક યાદો પણ આપની સાથે વ્યક્ત કરવી છે. સૌ પહેલા કહું તો આ કવિતા મેં મારા ૩જા ધોરણમાં પાઠ્યક્રમમાં ભણી છે અને બહું જ ગમતી અને યાદ પણ હતી.તો બીજું એ કે મારી મોટી બહેન અલ્કાબહેન પ્રાથમિક શિક્ષિકા છે અને તેઓ પણ આ કવિતા કેટલીયે વાર બાળકોને ભણાવી ચૂક્યાં છે, અને અન્ય વાત કહું તો મારી મિત્ર મન પણ અત્યારે પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા છે અને યોગાનુયોગ તેમને પણ ત્રીજું ધોરણ ભણાવવા મળેલ છે અને તેમણે પણ આ કવિતા થોડા સમય પહેલા બાળકોને ભણાવી હતી.

તો આપને થશે કે આમાં શું ખાસ છે? તો જેમ ફિલ્મોમાં થાય છે ને તેમ ફ્લેશબેકમાં જઈએ, આજથી ૬-૭ વર્ષ પહેલા જ્યારે મારે ૧૨માં ધોરણનું વેકેશન હતું ત્યારે હું અને મારી મિત્ર મન મારી અલકાબહેનના ઘરે ગયા હતા. તે સમયે તેઓ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર પાસેનાં એક નાનકડાં સુથારનેસડી નામક ગામડે રહેતાં, અને તે દિવસે અમે અચાનક જ પહોંચી ગયેલા અને ગામ સાવ નાનું અને શાળામાં ચાલુ દિવસ હોઈ તે નિશાળમાં જ હતી.અને અમે સગડા [મોટર સાઈકલની પાછળ જોડેલ ખુલ્લી રિક્ષા જેવું સાધન]માંથી ઉતર્યા ત્યારે આખું ગામ અમને ઘેરી વળેલું અને અમને ઠેક શાળા સુધી મુકી ગયેલું. આ પછી બીજા દિવસે પણ અમે શાળામાં મારી બેનની સાથે ગયેલા અને આમ પણ અમને બંનેને પણ બાળકો બહુ ગમે અને તે દિવસે મારી બેને આ ડુગડુગિયાવાળી કવિતા ભણાવવાની શરૂઆત કરી તો મને થયું કે માત્ર કવિતા જ શું કામ ચાલોને બાળકોને કાંઈક મજા પડે તેવું પણ કરીએ.તો મેં કહ્યું કે આજે ડુગડુગિયાવાળી કવિતા છે તો બધાને ડુગડુગિયા બનાવતાં શીખવાડીએ, અને મારી બેન અને મારી મિત્ર મનની સાથે બધા બાળકોએ પણ આ પ્રસ્તાવને વધાવી લીધો, પણ ખરી મુસીબત તો હવે થઈ કે જ્યારે બનાવવાનું આવ્યું ત્યારે કોઈને બનાવતાં આવડતું નથી અને તેથી પણ વધું અમારી પાસે સામાનમાં માત્ર એક કાગળ,દોરી અને સળી સિવાય કોઈ જ વસ્તું નહોતી.પછી નક્કી કર્યું અને મન અને મારી બેનની બંગડી તથા બીજી બાળાઓની બંગડી લીધી અને બે બંગડી પર વચ્ચે અંતર રાખી ડુગડુગિયું બનાવવાનું વિચાર્યું તો કાગલ કઈ રીતે ચિપકાવવો તો યાદ આવ્યું કે શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભાત બનાવેલ તો તેની મદદ લઈ કાગળ ચિપકાવ્યા અને વચ્ચેથી સળી પસાર કરી અને દરેક બંગડીના છેડે બાંધેલ દોરી ના બીજા છેડે નાના પથ્થર બાંધી દીધાં અને આવું પ્રથમ ડુગડુગિયું બન્યું અને વગાડ્યું ત્યારે બધા બાળકોએ તાળીઓથી વધાવી લીધું અને પછી તો દરેક બાળકોએ પણ બનાવવા માંડ્યું અને જ્યારે નિશાળ છુટી ત્યારે દરેક બાળકના હાથમાં તેમનું બનાવેલ ડુગડુગિયું હતું અને ચહેરાં પર કંઇક અનેરો આનંદ સાથે વિદાય લીધી.અને આ આનંદ જોઈ અમને પણ ખુબ જ આનંદ થયો.અને જ્યારે તે પછીના દિવસે નિશાળ ગયાં ત્યારે દરેક બાળક કહેતા હતાં કે તમે જ હવે ભણાવો ને તમે જે રીતે ભણાવો છો અમને બહું ગમે છે તમે અમને ભણાવશોને… પણ તે તો શક્ય ન હતું અને અમે ત્યાંથી નિકળ્યાં ત્યારે તેમની આંખોમાં પણ આંસુ હતા. માટે જ એ બાળકોનું આ સ્મિત અને વિદાય અમને ત્રણેયને હંમેશા યાદ રહેશે અને તેથી જ જ્યારે મારી મિત્ર મન ને આ કવિતા ભણાવવાની આવી તો તેમના મનમાં પણ આ યાદો તાજી થઈ ગઈ અને મને ફોન પર આ વાત જણાવી ત્યારે હું પણ એ યાદોમાં ફરી ખોવાઈ ગયો.અને આજે જ્યારે ભાણીના જન્મદિન પર આ બાળગીત રજું કરતા આપની સાથે પણ આ પળોને માણતાં રોકી ન શક્યો. મિત્રો આપ સૌ ને પણ જો કોઈ આવો અનુભવ થયો હોય કે અન્ય કંઈ હોય તો તે મને આપના પ્રતિભાવ દ્વારા જણાવશો ને…..

  

 

નેહાબહેન,દોડો,હીનાબહેન,દોડો,

પેલી ડુગડુગિયાવાળી આવી.

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

એક રૂપિયાનું ડમરૂ આપે,

આપીને છાતીએ ચાંપે,

બળબળતા ઉનાળા તાપે,

આવીને ઊભી છે ઝાંપે,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

રંગે છે એ બહુ રૂપાળી,

રોજ મને આપે છે તાળી,

જો હું એને જાઉં ભાળી,

રમવા માંડું સાતતાળી,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

એ ડમરૂ રાખી ગાલે,

કેવી ઠુમ્મક ઠુમ્મક ચાલે,

બાબા બેબીબે બોલાવે,

ગીત મધુરાં ગાએ,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

પૂરી પાંચ હાથ એની કાયા,

બાળક ઉપર બહુ માયા,

જાણે સગી માડીના જાયા,

આપે રોજ મજાનાં ડુગડુગિયાં,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

 

ગત વર્ષે આ જ દિને પ્રસ્તુત કરેલ રચના જન્મદિન….દરિયાને તીર એક રેતીની ઓટલી-સુંદરમ; महेक ऊठी है फिज़ा - प्रेरणा પણ જરૂરથી માણજો.

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).