જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો ? ઘણા લાંબા સમયના વિરામ બાદ આજે મળિએ છીએ, આશા છે આપ મને ભૂલી નહી ગયા હોવ. અરે કેટલાક મિત્રોએ તો એમ પણ કહી દીધું કે હિતેશ તે મનનો વિશ્વાસ બ્લોગ અપડેટ કરવાનું સદા માટૅ બંધ કરી દીધું છે કે શું ? તો ના મિત્રો, આ વાત માત્ર એપ્રિલફૂલ જ છે, પણ હમણા વ્યસ્તતા રહે છે પણ હવે બસ આ મહિનાના અંત સુધીમાં એમ.બી.બી.એસ. ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય છે તથા મારી ખાતાકીય પરીક્ષા પણ પૂર્ણ થઈ જશે તો બસ હવે થોડોક જ ઈંતજાર, પછી વેકેશનના ગાળામાં ફરી ગુજરાતી ગીત-સાહિત્ય માં રસ તરબોળ થઈ જાશું….

અરે હાં આજે છે ૧૪મી એપ્રિલ. એટલે કે ડૉ.ભીમરાવ આંબેડકર જયંતિ અને સાથે સાથે વિશ્વ અગ્નિશામક દિન. તો આજના દિન પર એ પ્રણ લઈએ કે આપણા દિલમાં પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની આગ એટલે કે ગુસ્સો, મતભેદ, ઈર્ષા,ભેદભાવ વગેરે ભૂલાવી તે આગનું શમન કરી પ્રેમભાવના પ્રગટાવીએ. અને અત્યારે તો જો કે આપણા સૂરજદાદા પણ આગ વરસાવી રહ્યા છે અને ઉનાળો ધોમધખી રહ્યો છે અને આજે તો ચૈત્રમાસની અમાસ છે અને આવતીકાલથી તો વૈશાખ માસ શરૂઆત થઈ જાશે. તો ચાલો વેણીભાઈ પુરોહિતની આ રચનાથી આપણે આ ચૈત્ર-વૈશાખના વાયરાની માહિતી લઈ થોડી ઢાઢક મેળવીએ. તો આશા છે આપને આ રચના ગમશે, અને બસ હવે ટૂંક સમયમાં જ મળિશું… અને આપ સર્વે પણ આપનો અમૂલ્ય અભિપ્રાય આપશોજી, અને મારી રાહ જોશો ને ???  !!!!!

 

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

 

ગરમ હવાની લહેરખીયે, નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
તો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ફાગણ સુદ પુનમ એટલેકે હોળી. વળી આજે છે ૨૮મી ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પણ.વળી ગઈકાલે હતી ઈદ-એ-મિલાદ.આમ હમણાં તો તહેવારોનો મેળો ભરાયો છે અને આ તહેવારો જ તો છે કે જે આપણી જિંદગીમાં એકબીજાને નજીક લાવે છે ખુશીઓ છલકાય છે અને પ્રેમ સર્વત્ર પ્રસરે છે.

ગત વર્ષે જો કે હોળી પર કુદરતી રંગો બનાવવાની રીત આપી જ હતી પણ આ વર્ષે ફરીવાર તેની મુલાકાત લઈ એ રીત નોંધી લેજો તથા સાથે સાથે મારી મિત્ર મન ની રચના રંગીલી આવી આ હોળી આવી…..“મન પણ માણજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો તેવી આશ સહ…

                વળી વિજ્ઞાનદિવસની જાણકારી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ રચનાની મુલાકાત પણ જરૂરથી લેજો હોં ને…અને આજ પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ માલવ પતિ મુંજ ની આ રચના આશા છે આપ સૌને ગમશે…..  

 

 

 

 

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

યૌવન ? યૌવન એટલે શું ?

 

અરેરે ! યૌવન નથી સમજતાં !

 

શું મને થાય, ના સમજાય,

નિંદરમાંથી ઝબકી જવાય…(૨)

 

કોઈ સુંદર સાવરી સૂરત નિરખતાં,

મનમાં ખળખળ થાય,

ના સમજાય, ના સૂવાય

 

આમ થાય ત્યારે સમજી લેવું, આવી ગયો અનંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

આ ભ્રમર અને આ ફૂલ, એને પણ એક પ્રિત છે,

ફૂલની પાંખે ભ્રમર બીડાય, એવી પ્રિતની રીત છે.

 

સમજાવો મને દીપક ઉપર જલતો કેમ પતંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

તમને જોઈ તનમન નાચે, એવું થાય કેમ ?

કેમ કરી સમજાવું, એનું નામ પ્રેમ.

 

ચંદ્ર ને જોઈ ઉરસાગરમાં, ઉછળી રહે તરંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                હવે તો વર્ષાઋતુની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ બધે જ મેઘરાજાએ તેમની મહેર વરસાવી રહ્યા છે ત્યારે વરસાદી ગીતોનો આનંદ આપ સર્વે વિવિધ મિત્રો/વડીલોના બ્લોગ પર પણ માણી જ રહ્યા હશો. પણ આજે એક ગુજરાતી પાઠ્યક્રમમાં આવતી એક કવિતાની વાત કરવી છે.અને આ કવિતા આપણને ઘણું બધું શિખવાડી જાય છે.અને સાચે જ આ તો હવે સિંચાઈની પદ્ધતિ અમલમાં આવી નહી તો ખેડૂતો માટે તો વરસાદની ઋતુ સૌથી સુંદર ઋતુ ગણાય જેના આધારે તો ખેતી નભતી.અને આજે પણ આ મોસમ મહેનતની જ છે અને માનવી ગમે તેટલો આધુનિક કેમ ન બને તેને કુદરતના ખોળે તો આવવું જ પડે ને.તો આજે માણિએ નાથાલાલ દવે ની આ સુંદર રચના..આને આપનો આ મોસમ વિશેનો પ્રતિભાવ આપશો ને…

 

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.

 

નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે
….  ભાઇ! મોસમ..

 

લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ
  રે ….  ભાઇ! મોસમ..

 

જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે
….  ભાઇ! મોસમ..

 

ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે
….  ભાઇ! મોસમ..

 

વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે
….  ભાઇ! મોસમ..

 

હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે
….  ભાઇ! મોસમ..

 

રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે
….  ભાઇ! મોસમ..

 

લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે
….  ભાઇ! મોસમ.

 

રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે
….  ભાઇ! મોસમ…

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આમ તો આજે વૈશાખ મહિનાનો છેલ્લો દિવસ છે.પણ સમય બહું જ ઓછો મળતો હોવાથી વૈશાખ પરનું ઋતુગીત મૂકી જ નહોતું શકાતું પણ આખરે આ મહિનાના આખરી દિને પણ એને વિદાય આપતાં આપતાં વૈશાખ ઋતુના વૈભવને માણી લઈએ શ્રી બંસીધર પટેલની આ રચના દ્વારા…બસ એક દૃષ્ટી જોઈએ બાકી તો બળબળતો ઉનાળો પણ આપણી પ્રિય ઋતુ જ છે હા તેનો તડકો અસહ્ય હોય છે પણ સાથે કેરીની મીઠાશ અને લગ્નોની વણઝાર પણ તો લાવે છે ને…ચાલો બહું સમય નહી લઉં પણ હા આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો ને…..

 

 

 


વૈશાખી વાયરા વાતાં મન મારૂં મલકાય છે,
ઉર્મીઓની વણઝાર મનમાં ઉઠી ઉઠી સમાય છે.
કાળાં ડિબાંગ વાદળ વાતો કરતાં કરતાં જાય છે,
ધરતીના છોરું અનેરા ઉમંગથી દોડ્યાં જાય છે.

કોઇ પડ્યું છે તૈયારીમાં નળીયાં ચારવા છાપરાનાં,
કોઇ મંડ્યું છે વર્ષાના આગમનની અનેરી તૈયારીમાં.
કરતી વાતો માંહે માંહે વૃક્ષલતાઓ ઘણી હરખાઇને,
પુરઝડપે દોડ્યાં જતાં વાહનો હરિફાઇ કરતાં વરતાય છે.

ઝટપટ કરવા લગ્નો કરે છે કોઇ ઝડપી તૈયારીઓ,
કેરી, સીતાફળ કે દ્રાક્ષનો આસ્વાદ માણી રહ્યાં સહુ જનો.
કરે છે મજા બેહદ ભૂલકાં રજાઓ પડી શાળામાંથી,
પડી છે ખાલીખમ શાળાઓ જામ્યા રજના થર ઘણેરાં.

વરતાય છે પાંખી હાજરી કચેરીઓ ભાસે સૂની સૂની,
કોઇ ગયું છે મ્હાલવા લગ્ન કોઇ લે છે લ્હાવો ફરવા નામે.
ગીરીમથકો ઉભરાય જેમ ચિડીયાઘર સંગ્રહાલયમાં,
અસહ્ય ગરમી પાછી પડે સોનેરી નિશા આહ્લાદક નશામાં.

માણે છે સહુ કોઇ વાસંતી સુવાસ સૃષ્ટિ તણી,
ક્ષુલ્લક પણ અનેરો આનંદ દીનમન હ્રુષ્ટપુષ્ટ થાય છે.

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).