જય શ્રીકૃષ્ણ મિત્રો,

આવતીકાલે ૨૦૦૮ના વર્ષનો છેલ્લો દિવસ છે.તો આપ કહેશો કે આજે શું છે.?પરંતુ કાલ વ્યસ્ત હોવાને લીધે આજ આવ્યો છું.આજે જ્યારે ૨૦૦૮ વિદાય લઈ રહ્યું છે અને ૨૦૦૯નું આગમન થઈ રહ્યું છે તે પ્રસંગે આપ સર્વેને કહેવાનું કે વીતેલા વર્ષની મીઠી યાદો લઈને તથા કરેલી ભૂલોને સુધારી નવા વર્ષમાં નવેસરથી શરૂઆત કરી નવા સિદ્ધિના સોપાનો સર કરો તેવી શુભકામનાઓ અને અત્યારે તો આરતી મુન્શી અને આશિત દેસાઈના સ્વરમાં ગવાયેલ તુષાર શુક્લનું ગીત યાદ આવે છે તો તે આપ સમક્ષ રજું કરું છું.અને ગીતને સુર અને સ્વર સાથે માણ્યા બાદ આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.આવજો ૨૦૦૮. સુસ્વાગતમ્ ૨૦૦૯

 

 

 

સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી.
ગાયક : આરતી મુન્શી , આશિત દેસાઇ.

 

  

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યુંતું સાચવીને રાખ્યુંતું, અશ્રુ એ જે સાર્યુંતું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

તમે કહેશો કે હવે આજે શું હશે.? પણ શું મળવા માટે બહાનાની જરૂર છે ખરી.! અને કારણ તો એક શોધો હજાર મળી આવે.ખાસ તો એટલા માટૅ કે આજથી હવે આપણા આ સંપર્કયંત્ર કોમ્પ્યુટર એક મહિના બાદ ઘરનુ કામ પૂર્ણ થવાથી પોતાના યથાસ્થાને પાછું આવી ગયું છે.ત્યાં સુધી આપ સર્વે મિત્રોએ આપેલા સહકાર બદલ આભાર.

અરે હા હવે તો કારતક માસ અને પછી માગશર એમ બે બે માસ લગ્નગાળાના આવ્યા છે.કેટલાય મિત્રો નવી લગ્નગ્રંથિથી જોડાવવાના હશે તો કેટલાકની લગ્નની વર્ષગાંઠ પણ આવતિ હશે.તો થયું કે કંઈક તોફાની ગીત અને મારું ગમતું હરીન્દ્ર દવેનું આ ગીત રજું કરું છું જેમા શણગારની સાથે ઠપકો અને તેમ છ્તા પ્રેમની લાગણી વ્યક્ત થાય છે…એક વાત પૂછું આ ગીત સાંભળ્યા બાદ હિન્દીફિલ્મનું કોઈ ગીત યાદ આવે છે જે આનું હિન્દીમાં રૂપાંતર કરેલ હોય…? અને હા આ ગીતનો વળતો જવાબ આપતું ગીત પણ ટૂંક સમયમાં મૂકીશ.

 

આ ચિત્ર શ્રી દિલિપ પરીખની રચના છે.આભાર.

 

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : આશિત દેસાઇ

 


સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

લ્યો, નજરું વાળી લઉં પાંછીએમ કહી કોઆવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !

આજે તો છે ૩૧મી મે એટલેકે તમાકુ નિષેધ દિન…. તમાકુ માત્ર તેને સેવન કરનારનું જ નહીં કે તેના પરિવાર માત્રનું પણ નહી પરંતુ તેની આસપાસના સમગ્ર વિશ્વને નુકસાન કરે છે. તો ચાલો આજે સંકલ્પ કરીએ કે માત્ર પોતે જ નહી પણ બીજાને પણ આ વ્યસનમાંથી મુક્તિ અપાવીએ. અરે વ્યસન કરવુ જ હોય તો કંઈક એવુ કરો કે જેથી કોઈને પણ હાનિ ન થાય. જેમકે એક વ્યસન મને લાગ્યુ છે તે છે ગુજરાતી સાહિત્યજગતનું. વાંચનનું કે લેખનનુ કે પછી વૃક્ષનૂ જતન કરવું વગેરે વ્યસન અપનાવવા જેવા તો ખરાને. હંમેશા આપણે એક જ બાજુથી જોવા ટેવાયેલા છીએ તો ચાલો આજે કંઈક નવું અપનાવીએ. કેટલાક વ્યસન સારા પણ હોય ને…    તો આજે સંદીપ ભાટિયાની એક એવી રચના પ્રસ્તુત છે જે કંઈક ધુમાડાની અસર જતાવે છે.

 

 

સ્વરઃ- આશિત દેસાઈ

 

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

 વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.\

આભાર પ્રાર્થનામંદિર

 

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).