Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૬મી જાન્યુઆરી.આજે તો છે આપણા બંધારણના અમલીકરણનો દિન એટલે કે આપણો ગણતંત્ર દિન... ૧૯૫૦ના આજના દિને આપણું બંધારણ અમલમાં આવ્યું અને આજે જે લોકસભા, રાજ્યસભા, સંસદનું સંવિધાન ચાલે છે તેનો પાયો નંખાયો હતો માટે તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.તો ચાલો આજે પ્રજાસત્તાક દિન પર માણીએ ઉમાશંકર જોશીની સર્વોત્તમ રચના અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહઅને ગત વર્ષે રજૂ કરેલ શ્રી રમણલાલ સોનીનો એક સ્વાનુભવ પણ જરૂરથી વાંચજો

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

 

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

 

ધન્ય ધરા , કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો ચિત્ત ઉપાસી . હું….

 

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર રહો પ્રકાશી . હું….

 

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.

હું ગુર્જર ભારતવાસી.

ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૫મી ઓગસ્ટ.સને ૧૯૪૭માં સ્વતંત્ર થયેલા આપણા આ દેશને આઝાદ થયે ૬૨ વર્ષ પૂર્ણ થઈ ગયાઆને ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષની જેમ આજે પણ શું માત્ર આપણે ધ્વજવંદન કરીને જ કે માત્ર દેશભક્તિના ગીત જ સાંભળીને મનાવશું.કંઈ એવું ન કરીએ કે જેથી દેશદાઝ માત્ર આ દિવસ પૂરતું સિમિત ન રહેતા સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે તેની કાળજી લઈએ.અને ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે કલ્પેલા આપણા આઝાદ દેશની આ ઝાંખી કરાવતી અને સ્વતંત્રતાના મૂલ્યો અને આદર્શો સમજાવવાની સાથે યોગ્ય રાહ ચીંધતી શ્રી ઉમાશંકર જોશીની આ રચના ખરેખર આપ સૌના દિલને પણ સ્પર્શી જશે.તો ચાલો માણીએ આ રચના.અને આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ…!!! ગત વર્ષે રજુ કરેલ   जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર  वन्दे मातरम्….. બંકીમચંદ્ર ચટ્ટોપાધ પણ જરૂરથી માણજો.

 

 

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
હીન સંકલ્પ હજો કદી મન.

 

હૈયું કદીયે હજો હતાશ.
વાણી નિષ્કારણ હો કઠોર.
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
ને આંખમાંના અમી ના સૂકાય.

 

ભોમકા ગાય વસૂકી શી હો.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.
બને યુવાનો અકાલ વૃદ્ધ.
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.

 

તે પંગતે હો સહુથી છેલ્લા.
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,
સત્તા તણા રે! પુરોહિતો બને.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.તો આ વર્ષે એક ટીવી ચેનલના કોન્ટેસ્ટમાં વિજેતા બનતા એક રાષ્ટ્રધ્વજ ઈનામરૂપે મળ્યો છે જેને ખૂબ જ આદરપૂર્વક લહેરાવ્યો અને તેને સલામી આપતા અવિનાશ વ્યાસનું આ ગીત યાદ આવી ગયું.જેમાં આપણા ઝંડાને ખૂબ ઊંચે લહેરાતો દેશની પ્રગતિની કામના કરેલ છે.જે અગાઉ રજુ થયેલ પણ આજે તે સુર સાથે મળેલ હોવાથી ફરી રજું કરું છું.

indian-flag

 

જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇ ને મગન, લહેરા.. જા….

ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા…. જા…..
જા રે ઝંડા જા ….

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા…. મા….
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….
જા રે ઝંડા જા ….

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા.સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ ૨૬-૦૧-૧૯૫૦ના રોજ પસંદ થયો હતો. તેથી, તે પ્રજાસત્તાક દિન કહેવાય છે.તો આજે તો દિલ્હીમાં આપણા લાલ કિલ્લાને ખૂબ સજાવ્યો છે અને ધ્વજવંદનની સાથે સાથે લશ્કરી પરેડ અને જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે.તો ચાલો આજે માણીએ આપણા રમેશ પટેલની આ રચના અને લાલ કિલ્લાના ઉત્સાહને વધાવી લઈએ.


લાલ કિલ્લો ગર્વીલો


laal-killo

મસ્ત ગગને મસ્ત હવામાં,
જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો
છે વાણીનાં ઝરણાં જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો
શ્વેત પારેવડાં દે સંદેશા
અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

રાષ્ટ્ર શોભે તારી શાને
છે જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,
રાષ્ટ્ર અમારો મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે અમારો ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).