Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

 

            આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.અને આ પ્રસંગ પર રમેશભાઈ એ મોકલાવેલ રચના અને તેમની શુભેચ્છાઓ ચાલો માણીએ તેમના જ શબ્દોમાં..અને હા આપના અમૂલ્ય બે બોલથી અમને જરૂરથી પાવન કરશો.

 

થઈ  મનનો   વિશ્વાસ  રમશું
ઉર ને   ભાવભરીને   સજશું
ઘર દીવડા  થઈ  ઝળહળશું
 
ને પાવન   પ્રકાશ   પાથરશું
મનના વિશ્વાસને આ શુભ દિને અંતરથી અભિનંદન. મેડિકલ લાઈનની વ્યસ્તતા છતાં સાહિત્યથી પ્રેમનાં
ઝરણામાં સૌને ભીંજવતા ડો શ્રી હિતેશભાઈ અને મનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
           
અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 


   
પ્રેમ એતો પાવન પમરાટ
રૂપાળો કે રૂક્ષ થઈ બદલતો ઘાટ
પ્રેમ એતો સાગરની જાત
મળે ચંદરવો તો ઉછળે જઈ આભ

પ્રેમ એતો દિલનો ઉજાશ
સમર્પણથી નિશદિન મ્હેંકે સુવાસ
 
પ્રેમ એતો ભીંનો વરસાદ
ઝીલીને  પ્રેમનો  માણો અહેસાસ

પ્રેમ  એતો  સ્વપ્નોની  ચાહ
માના  ખોળાની  કહે  મમતાની  વાત
પ્રેમની વાતો છે રંગીલી યાર
કોઈ  દિ ગાયે ગઝલ કે રૂવડાવે રાત

પ્રેમ  પૂરે  જીવનમાં   શક્તિ  અનંત
પ્રેમની   વાતોના   નોંખા   છે   રંગ
ફૂલની  ફોરમ   લઈ  મ્હેંકે  છે પ્યાર
ચાહ  વિના જીંદગી અધૂરી  છે  યાર

જય શ્રીકૃષ્ણ મિત્રો,

            આજે છે ૧૪મી જાન્યુઆરી.આજે તો છે ઉત્તરાયણ.સૂરજદાદાનું ઉત્તર તરફ ગમન કહું કે મકરસંક્રાંતિ.પણ ખાસ ગુજરાતમાં કહું તો આજનો દિન એટલે પતંગ ચગાવવાનો દિવસ. અને બસ આ પતંગની માફક જ પોતાનો આનંદ આકાશમાં વહેવડાવવાનો દિવસ. અને પતંગના પેચ લડતા લડતા ક્યારે નયનોના પેચ લડી જાય તે પણ કહેવાય નહ ખરું ને…!!! અને વળી આ વખતે તો આવતીકાલે ૧૫મી જાન્યુઆરીએ તો સૂર્ય અને ચંદ્રમાંના પણ પેચ લડવાના છે એટલે કે સદીનું કંકણાવર્તી સૂર્યગ્રહણ થવાનું છે. તો વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે યોગ્ય સાધનની મદદથી આ લાહવો પણ ચૂકતા નહીં અને તે સમય દરમિયાન પતંગ ચગાવવાનું ટાળજો.તો ચાલો પતંગ ચગાવવા લાગી જઈએ…આજે પણ ગત વર્ષની જેમ જ રમેશભાઈની રચના લઈને આવ્યો છું.વળી ગત વર્ષની કંકોતરી વાંચવાની પણ ચૂકતા નહી.બસ આપ સૌના પતંગના આગમનની રાહમાં એટલે કે આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ ચાલો માણીએ આ રચના…

 

 


મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે  ઊડવું  ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ  પ્રેમ  દોરે , મારે બાંધવું બંધન
હું  ને  પતંગ
પતંગ તને  ઊડવું  ગમે
ને   મને  ઊડાડવું  ગમે
નખરાળો   પવન    તને   સતાવે    ભલે
મોજથી મનગમતા  પેચ લપટાવીએ  હવે
નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ  છાનું  મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને
ખાઈ માલપૂડા ખખડાવ  હવે  થાળી ખાલી
લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની
દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી  દોરીની  મોટી  છે  લૂમ
લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી
આકાશે ચગી અમારે  દેવા  સંદેશ
દાદા   સૂરજ   હાલ્યા  મકરને  દેશ
ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર
રૂપલે   મઢી   પતંગથી   છાયો   કલશોર

જય શ્રીકૃષ્ણ મિત્રો,

            આજે છે આસો વદ ચૌદશ/અમાસ. અરે બંને સાથે છે એટલે બંને લખ્યા છે, પણ આજે મનાવવામાં આવે છે દીપોનો તહેવાર દિપોત્સવી આપણી દિપાવલી, દિવાળી…તો ચાલો આજે ફરી એક પ્રશ્ન કે મેરાયા એટલે શું? જો જવાબ ન આવડતો હોય તો ગત વર્ષની મનનો વિશ્વાસ પર આજના દિવસે જ રજુ થયેલ રચના શુભ દિપાવલી…મા,મા, દિવાળી આવી…..વિશ્વદીપ બારડ  ની ફરી મુલાકાત લઈ લેશો.અને આપ સર્વે મિત્રો/વડીલોને કહેવાનું કે આ વર્ષમાં જો મારાથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈનું જાણે અજાણે પણ દિલ દુભાવ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું, અને આપણા મતભેદો ભુલાવી આપણે નવા સંબંધો પ્રસ્થાપિત કરીએ અને આપ સર્વેના આપેલા સાથ સહકાર અને માર્ગદર્શન બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.તથા દિપાવલીની શુભકામનાઓ.

 

  


અગિયારશ બારશ ને  તેરશ ચૌદશ
ખોળું દિવાળી  તને વિસ્મયે ચોદિશ
થઈ    અણજાણી   કેમ  તું  લપાણી
ઓ  અમારી   મનગમતી   દિવાળી
 
                       
દીપ જલ્યા છે  દ્વારે દ્વારે
                         
ને સંતાડ્યા સ્નેહ અંધારે
                         
શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
                         
ને   લટકાવ્યાં  છે  તાળાં દ્વારે
                         
ને પૂછો મને ક્યાં લપાણી?
                         
ઓલી અમારી ઘરઘરની દિવાળી

સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી
પણ   ભમું   હું   લઈ   પરેશાની
નિર્મળ  મનથી  નથી  આવકારા
ને શીદને તું ખોળે દાદાઇ દિવાળી

                          મેવા મીઠાઈના  થાળ છે  મોટા
                         
ને  દીઠા સબરસ  અંતરે  છેટા
                         
મથું શોધવા એ કુટુમ્બ કબિલા
                         
કરતા  રહેતા  સ્નેહ   સરવાળા
                         
ને હવે ના પૂછીશ ક્યાં છે દિવાળી? ”
 
સાચે  જ તને  અંતરથી  ખોળું
દેવા અજવાળી ભાતે વધામણિ
રાહ જુએ તારી ફટાકડા ઝોલી
આવને મારી વહાલી  દિવાળી

જય શ્રીકૃષ્ણ મિત્રો,

            હા આજે છે ૨જી ઓક્ટોમ્બર એટલે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુનો જન્મદિન.તેમનો જન્મ ૦૨-૧૦-૧૮૬૯ના ભાદરવા વદ-૧૨ ના રોજ પોરબંદર ખાતે થયો હતો.વળી આજનો દિન રાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે વળી ગત વર્ષે આજના દિનથી જ તમાકુ પ્રતિબંધિત ધારો અમલમાં આવ્યો હતો.પણ કદાચ હજું પણ તેનો એટલો અસરકારક અમલ થઈ શકતો નથી.તેનું મુખ્ય કારણ છે આપણી બેદરકારી જો કોઈ પણ વ્યક્તિને આપણે જાહેરમાં ધુમ્રપાન કરતા રોકીશું તો જ આ બદી નાબૂદ થશે અને જાતે જો એ વ્યસનને છોડવાનો પ્રયત્ન કરશે તો જ આ શક્ય બનશે.

            વળી ગઈકાલે સ્વૈચ્છિક રક્તદાન દિવસ હતો તો આશા છે કે આપ સર્વેએ તેમાં ભાગ લીધો હશે અને એક મહામૂલું દાનકર્યું હશે અને જો ના કર્યું હોય તો હવે જરૂર કરશો તેવી વિનંતી.તો ચાલો આજે માણીએ રમેશ પટેલની આ રચના..અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને…!!! ગત વર્ષે આજના દિન પર રજુ કરેલ રચના શોધવા છે બાપુ…….રમેશ પટેલ ‘આકાશદીપ  અને ત્રીજુ નોરતુંવૈષ્ણવ જન તો તેને રે કહીયે……નરસિંહ મહેતા  જરૂરથી માણજો. 

 

 


વાણીએ અમૃત ઝરે  પણ વેરનાં  વિષ  વેર્યા  કરે
વાતો નીતિમત્તાની કરે પણ કપટ દાવ ખેલ્યા કરે
વહાવી ખૂન નિર્દોષોનાં વાતો મુખે અનુકંપાની કરે
હાય્! છું માનવ પણ ના લજવાવું
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?
 
વેશ સંન્યાસીનો ધરી, મહાભોગમાં મગ્ન થઈ મહાલ્યા કરે
જેહાદની  ભાષા   ગજવી  ,  કામ  જલ્લાદના    જગે  કરે
દઈ   માનવતાની   દુહાઈ  ,દાનવ   કર્મમાં   ખૂંપ્યા   કરે
હાય! કેમ ના થાવ ક્ષોભિત,
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?
 
ક્યાં સંતાયા પયગમ્બર ઓલિયા , કેમ  ચૂપ છે ધર્માત્મા ?
નથી ધૃણામાં શાણપણ,કેમ આપણે ડહાપણ વીસરી ગયા
હીંસા છે અગન જ્વાળ,ભસ્માસુર શાન્તીની ભસ્મ શોધે ભલા
માનવમાંથી   દેવ ના  થયા, પણ   શાને  પશુ  બની  રહ્યા?
 
હાથ જોડી પ્રાથું પરમેશ્વર તને, એક ચીનગારી કોઈ ઉરે જલે
અહિંસાના   માર્ગે  દોરે  તેવો,   બીજો   ગાંધી   આવી  મળે

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).